એક ચા અને એક જીંદગી…
તપેલીમાં ચા બનાવવા પાણી લીધું છે. એકદમ નીર્મળ પાણી. તળીયું દેખાય એવું પાણી. એને ગરમ કરવા મુકીને તેમાં તમે આદુ કચરીને નાંખો છો. પછી ચા નાખો છો. હલાવો છો. અને ધીમે ધીમે પાણીનો રંગ કાળાશ પડતો કથ્થાઈ થવા માંડે છે. ઉભરો આવતાં સુધીમાં તો એ લગભગ કાળું બની જાય છે. ચાની તીવ્ર સોડમ એમાંથી આવવા માંડે છે. પછી તમે એમાં માપથી દુધ રેડો છો અને ચાનાં પીણાંનો રંગ ઉભરી આવે છે. પછી માપથી તેમાં ખાંડ ઉમેરો છો અને એમાં મીઠાશ ઉમેરાય છે. બીજો ઉભરો હવે આવવાની ઘડીઓ ગણાય છે અને તમે એમાં છેલ્લા ઉમેરણ તરીકે ચપટીક ઈલાયચીનો પાવડર ભેળવો છો. લ્યો! છેવટનો ઉભરો પણ આવી ગયો અને તમને મનભાવતી સોડમદાર, કડક મીઠ્ઠી ચા તૈયાર.
હવે જે મુળ પાણી હતું એનાં તો નામોનીશાન દ્રશ્ટીગોચર થતાં નથી. તમે એ મજાની, ખુશ્બોદાર ચા પીઓ છો. કોણ એને હવે પાણી કહે?
પણ ભાયા! તમે જે પીણું પી રહ્યા છો એમાં પંચાણું ટકા તો મુળ પાણી જ છે. એમાં માત્ર રંગ, રુપ, ગંધ અને સ્વાદ ઉમેરાયાં છે – એટલું જ. થોડાક કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, ક્ષાર અને વીટામીન વીગેરે છે. એ બધાં થઈને બાકીનાં પાંચ ટકા. અને જ્યારે એ તમારી જઠરમાં જશે ત્યારે બાકીના એ પાંચ ટકાનો બહુ નાનો હીસ્સો જ તમારા લોહીમાં ભળવાનો છે, અને તે પણ પુરું પાચન થયા બાદ. અને પાણી તો તરત જ શોશાવા માંડશે. એને કોઈ પાચનશક્તીની જરુર જ નથી.
હવે તમે જ કહો કે, તમે ચા પીધી કે પાણી? માટે તો પાણીને ‘જીવન’ કહ્યું છે. ચા વીના ચાલશે……… પાણી વીના નહીં. બીજી રીતે જોઈએ તો : એમાં નાનકડો એક ટકો જ ચાનું ‘ચા’ પણું છે! એને માટે જ આપણે ચા બનાવીએ છીએ અને પીએ છીએ!
જીવનનું જે સત્વ કે, તત્વ છે; તે તો આ એક ટકા જેટલું પણ નથી. અરે માપ અને દ્રશ્યતાના પરીપ્રેક્ષ્યમાં તો તે સાવ શુન્ય જ છે. અને છતાં એ છે, તો જ જીવન છે. નહીં તો એ શબ માત્ર.
અવલોકન – સુરેશ જાની
સુંદર વાત કરી !
arvindadalja - જુલાઇ 21, 2009 પર 8:53 એ એમ (am) |
સુંદર ચિંતન વિચારવા પ્રેરે છે….
તોલમાપ બધા સ્થૂળના હોય છે…જીવન અને જીવનનું સત્વ કે તત્વ વિશાળ છે અનન્ત છે સર્વત્ર છે…ભેદ દુષ્ટિથી બધું નાનુ મોટુ, ઓછુવત્તુ વર્તાય છે ખરું ખોટુ સપનૂ વર્તાય છે…સંયોજન પણ મહત્વનું છે…ચૈતન્યનો પ્રવાહ… જલપ્રવાહ મૂળભૂત તત્વ -પ્રવાહી ખરા…અન્યોન્યાઅશ્રય..એક્બીજા વગર અધુરા..પંગુ અને અંધ જેમ મળીને ચાલે..તેમ સાંખ્યમાં પ્રકૃતિ પુરુષની ઉપમા આપી છે..
માત્ર પાણિ પીવાનો આનંદ છે ? કે ચા,કે વિવિધ રસયુક્ત પીણાનો ? આ બધું સરજન આનંદ માટે છે..લોકવત્તુ લીલાકૈવલ્યમ..
Dilip Gajjar - જુલાઇ 21, 2009 પર 11:49 એ એમ (am) |