ક્યાંય તારા નામની તકતી નથી – જગદીશ ત્રિવેદી

ઘણાં સાંકડા દિલનાં દાતાઓ પોતાની જ્ઞાતિની ભોજનશાળામાં દિલ્હીની કોઇ ચાલુ કંપનીના એક સિલિંગ ફેનનું દાન આપે અને પંખાનાં ત્રણે પાંખિયા ઉપર પોતાની ત્રણ પેઢીનાં નામ લખાવે એ વાજબી લાગે છે? પછી એવું બને કે કોઇ સ્વીચ ઓન કરે અને છગનભાઇ, મૂળજીભાઇ અને પિતાંબરભાઇ એમ ત્રણે પેઢી ગોળ ગોળ ફરવા માંડે ક્યાંય તારા નામની તકતી નથી.
સલામ તારી સખાવતને એ હવા – ધુની માંડલિયા

વર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો હોવાથી એનું નામ રાજકુમાર કોલેજ રાખવામાં આવ્યું હતું, અને તેના ખાતમુહૂર્તમાં ઠેરઠેરથી રાજવીઓ પધારે એ સ્વાભાવિક હતું.

અહીં ગાળવામાં આવેલા પાયામાં દરેક રાજા પોતાના વરદહસ્તે એક એક ખોબો ધૂળ નાખે એવો વિધિ હતી. દરેક રાજાએ ધૂળ નાખી પણ જ્યારે જશદણ દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો ત્યારે તેમણે ખોદેલા પાયામાં એક ખોબો ભરીને ચાંદીના સિક્કા નાખ્યા હતા.

આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, વિધિ પૂરી થયા પછી કોઇકે પૂછ્યું કે ખાચરસાહેબ આપ આપની મોટાઇ દેખાડવા માગતા લાગો છો, બધા રાજાએ ધૂળ નાખી અને આપે ચાંદીના સિક્કા નાખ્યા. ત્યારે વિનમ્ર દરબાર આલા ખાચર બોલ્યા કે એવું નહીં, હું તો નાનકડા જશદણનો રાજવી છું, આ બધા તો મોટા રાજાઓ છે પણ મે સિક્કા એટલા માટે નાખ્યા છે.

કારણ એક નાનકડાં દાતા તરીકે મારી સુવાસ છે અને દાનવીર થઇને હું ખોબામાં ધૂળ ભરું તો મારી દાતારી લાજે, અને બીજી અગત્યની વાત એ છે કે આ કોલેજમાંથી રાજાઓ તૈયાર થવાના છે પણ એમાંથી અમુક દાનવીર બને એટલે મેં પાયામાં ચાંદીના સિક્કા નાખ્યા છે. સમાજ માત્રને માત્ર રાજકારણીઓ, કલાકારો, ઉધોગપતિઓ, સાહિત્યકારો, દાકતરો, વકીલો, વેપારીઓ અને ખેડૂતોથી ચાલતો નથી, સમાજમાં દાતાની પણ જરૂર પડે છે.

આપણે એટલે જ દીપચંદ ગાર્ડી, સી. યુ. શાહ, એમ. પી. શાહ જેવા દાતાઓને અવારનવાર યાદ કરીએ છીએ, અને દાન કેવું હોવું જોઇએ? દેવાના બદલે લઇને આવીએ તે દાન નથી. મારા પાડોશી રમણકાકા એક આખો દિવસ દેખાયા નહીં, મે પૂછ્યું કે કાલે કયાં ગયા હતા, તો રમણકાકા બોલ્યા કે, રકતદાન કરવા ગયો હતો. મેં આશ્ચર્યથી પૂછ્યું કે, રકતદાનમાં દસથી પંદર મિનિટ થાય, તમે આખો દિવસ શું કર્યુ?

ત્યારે કાકા બોલ્યા કે મેં બે સીસી લોહી આપ્યું એમાં હું બેભાન થઇ ગયો, પછી અઢાર સીસી મને ચઢાવવું પડ્યું. આ ઘટનામાં રહેલા કાકા બે સીસી આપવાને બદલે સોળ સીસી લઇને આવ્યા એને દાન ન કહેવાય. ઘણાં લોકો દાન કરે પણ દાનની રકમ કરતાં વધારે રકમની જાહેરાત કરાવે એ પણ યોગ્ય નથી. લાખ રૂપિયાનું દાન કરીને પછી પાંચ લાખની વાહ વાહ કરાવે તે યોગ્ય નથી, કારણ માણસે દાન પુણ્ય માટે કરવાનું છે અને દાનનો બદલો એને પુણ્યમાં મળી જાય છે.

પછી પ્રશંસા,ખુશામત, સન્માન વગેરે જેવા શબ્દોથી દૂરને દૂર જ રહેવું જોઇએ. ઘણાં સાંકડા દિલના દાતાઓ પોતાની જ્ઞાતિની ભોજનશાળામાં દિલ્હીની કોઇ ચાલુ કંપનીનાં એક સિલિંગ ફેનનું દાન આપે અને પંખાના ત્રણે પાંખિયા ઉપર પોતાની ત્રણ પેઢીનાં નામ લખાવે એ વાજબી લાગે છે?

પછી એવું બને કે કોઇ સ્વીચ ઓન કરે અને છગનભાઇ, મુળજીભાઇ અને પિતાંબરભાઇ એમ ત્રણે પેઢી ગોળ ગોળ ફરવા માંડે, અને તેની આ લેખની શરૂઆતમાં કવિ ધુની માંડલિયાનો શેર ટાંક્યો છે અને તેમાં કવિ હવાને સલામ ભરે છે, કારણ હવાથી મોટું ડોનેશન આ દુનિયામાં કોઇનું નથી. હવા ન હોય તો જગત ઉપર જીવનું ટકી રહેવું શક્ય નથી.

આખી દુનિયાને જીવાડતી હવાએ ક્યાંય પોતાના નામની તકતી મારી નથી. મંગળ મસ્તી એક દાતાએ મંદિર બનાવ્યું તો તેમાં માત્ર હિન્દુઓ જ આવ્યા, મસ્જિદ બનાવી તો માત્ર મુસ્લિમો જ આવ્યા, પછી તેમણે બહુ વિચાર કરીને પચાસ શૌચાલય બનાવ્યા તો તેમાં તમામ જાતિ, ધર્મ અને પ્રદેશના લોકો કોઇપણ જાતના ભેદભાવ વગર આવ્યા.

આમ તમારા દાનનો લાભ દરેક પ્રકારના લોકોને મળે તે પણ અત્યંત જરૂરી છે. સમાજના ખાસ વર્ગ માટે દાન દેવામાં આવે એ દાન નથી પણ ભેદભાવ છે.
– જગદીશ ત્રિવેદી

One Response to “ક્યાંય તારા નામની તકતી નથી – જગદીશ ત્રિવેદી”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: